સેલારી ગામમાં દોઢ કલાકથી વધુ સમયથી નેટવર્ક ઠપ,તેમજ સેલારી ગામમાં ક્યારે નેટવર્ક ચાલુ થશે તેનું હજુ સુધી કોઈ અપડેટ નહીં ! લાઈટ જાય ત્યારે અનેક વિસ્તારોમાં કલાકો સુધી સેવા ખોરવાતી હોવાનો આક્ષેપ…
રાપર: રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ટેલિકોમ સેવા પૂરી પાડતી Jio કંપનીના નેટવર્કને લઈને ગ્રાહકોમાં ભારે મુશ્કેલી અને રોષ જોવા મળી રહ્યો છે. સેલારી ગામમાં આજે વીજળી ચાલુ હોવા છતાં Jioનું નેટવર્ક દોઢ કલાકથી પણ વધુ સમય સુધી સંપૂર્ણપણે ઠપ થઈ જતાં ગામના હજારો ગ્રાહકોને મોબાઈલ કોલિંગ તેમજ ઈન્ટરનેટ સેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદો સામે આવી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સેલારી તેમજ નજીકના બેલા ગામમાં જ્યારે વીજળી બંધ થાય છે ત્યારે ઘણી વખત બે થી ત્રણ કલાક સુધી Jioનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જેના કારણે મોબાઈલ ફોનથી જરૂરી કોલ કરવા ઉપરાંત ઓનલાઈન કામગીરી, UPI પેમેન્ટ, ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

નંદાસરમાં દરરોજ સાંજે નેટવર્કની સમસ્યાની ફરિયાદ
રાપર તાલુકાના નંદાસર ગામના લોકોના જણાવ્યા મુજબ, અહીં દરરોજ સાંજના સમયે આશરે 4 થી 5 કલાક સુધી નેટવર્ક સેવા ખોરવાઈ જતી હોવાની ફરિયાદ છે. વારંવાર સર્જાતી આ સમસ્યાના કારણે ગ્રામજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.
રાપર શહેરમાં પણ વીજળી જતાં નેટવર્ક અસરગ્રસ્ત
માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં, પરંતુ રાપર શહેરમાં પણ વીજળી જતાં કેટલાક વિસ્તારોમાં Jioની મોબાઈલ સેવા ખોરવાઈ જતી હોવાની ફરિયાદો મળી રહી છે. ખાસ કરીને સલારી નાકા, ખોડિયાર મંદિર, નંદાસર રોડ અને મેન બજાર સહિતના વિસ્તારોમાં વીજળી જતાં નેટવર્ક ડાઉન થતું હોવાનું સ્થાનિક ગ્રાહકો જણાવી રહ્યા છે.
ગ્રાહકોનો સવાલ—વારંવારની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે?
રાપર તાલુકામાં મોટી સંખ્યામાં લોકો Jioની મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં વારંવાર નેટવર્ક બંધ થવાથી રોજિંદા કામકાજ ઉપરાંત ઓનલાઈન વ્યવહારો, વ્યવસાયિક કામગીરી, વિદ્યાર્થીઓના અભ્યાસ અને તાત્કાલિક ફોન કરવાની જરૂરિયાતમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.
સ્થાનિક ગ્રાહકો દ્વારા Jio કંપનીના જવાબદાર અધિકારીઓને રાપર તાલુકાના વિવિધ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાનું ટેકનિકલ કારણ શોધી કાયમી અને અસરકારક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે.
ખાસ કરીને સેલારી ગામમાં આજે વીજળી હોવા છતાં દોઢ કલાકથી વધુ સમય સુધી નેટવર્ક બંધ રહેવાની ઘટનાને પગલે ગ્રાહકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે વીજળી ઉપલબ્ધ હોવા છતાં ટાવરની સેવા કેમ બંધ થઈ અને વારંવાર સર્જાતી નેટવર્ક સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે?
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
