ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને તાજેતરમાં એક સપ્રેસમા એક તપાસાત્મક અહેવાલે દેશભરમાં રાજકીય અને વહીવટી ચર્ચા જગાવી છે. અહેવાલ અનુસાર, છેલ્લા લગભગ ૧૦ મહિનાના ગાળામાં ચૂંટણી પંચના અન્ય બે ચૂંટણી આયુક્તો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ચૂંટણી પંચના કેટલાક નિર્ણયો અને પ્રક્રિયાઓ અંગે ઓછામાં ઓછા ૧૪ વખત લેખિત વાંધા નોંધાવ્યા હતા.
અહેવાલમાં જણાવાયું છે કે મતદાર યાદી સંબંધિત કેટલીક કાર્યવાહી અને નિર્ણયોની પ્રક્રિયા અંગે બંને ચૂંટણી આયુક્તોએ સત્તાવાર નોંધોમાં પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી. આ બાબતને ચૂંટણી પંચના ઇતિહાસમાં અસામાન્ય ગણાવવામાં આવી રહી છે, કારણ કે સામાન્ય રીતે આવા આંતરિક મતભેદો જાહેર ચર્ચાનો વિષય બનતા નથી.
રિપોર્ટ બહાર આવ્યા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચની કામગીરી અને નિર્ણય પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે ભાજપે આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી ચૂંટણી પંચની આંતરિક ચર્ચાઓને લોકશાહી પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો છે.
બીજી તરફ, ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંચના નિર્ણયો સંસ્થાકીય પ્રક્રિયા મુજબ લેવામાં આવે છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થવી સ્વાભાવિક બાબત છે. કેટલાક મીડિયા અહેવાલોમાં રજૂ થયેલી બાબતો અંગે પંચે પોતાની અસહમતિ પણ વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે.
જ્ઞાનેશ કુમાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારના વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદાર પદો સંભાળી ચૂક્યા છે.
આ સમગ્ર મુદ્દો હાલમાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. જોકે, અહેવાલમાં દર્શાવાયેલા મુદ્દાઓ અંગે વિવિધ પક્ષો અને સંસ્થાઓના અલગ-અલગ અભિપ્રાયો સામે આવ્યા છે. તેથી આ વિષયને લઈને અંતિમ નિષ્કર્ષ કરતાં પહેલાં સત્તાવાર નિવેદનો, દસ્તાવેજો અને આગળની ઘટનાઓ પર નજર રાખવી જરૂરી રહેશે.
(રીપોર્ટ : મહેશ ખેર)
![]()
