રૂ. 15.05 લાખનો મુદ્દામાલ કબજે, કારચાલક અંધારાનો લાભ લઈ ફરાર
સામખીયારી: પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂના વેપાર પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સામખીયારી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માળીયા–સામખીયારી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સફેદ રંગની ક્રેટા કારમાંથી કુલ 3,744 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. દારૂ અને કાર સહિત કુલ રૂ. 15,05,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ ટીમ માળીયા–સામખીયારી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જૂના કટારિયા બ્રિજ પરથી પસાર થતી એક શંકાસ્પદ સફેદ રંગની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, કારચાલકે વાહન રોક્યું ન હતું. પોલીસે કારનો પીછો કરતાં ચાલકે હાઇવે પર આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળાની દીવાલ પાસે કાર ઊભી રાખી દીધી હતી અને અંધારું, ટ્રાફિક તથા રસ્તાની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારનો રજિસ્ટ્રેશન નંબર GJ-39-CA-0128 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અને કાર કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરાયેલ મુદ્દામાલની વિગતો
– ગ્રીન લેબલ એપોર્ટ સ્પેશિયલ બ્લેન્ડેડ વ્હિસ્કી: 180 મિલીની 624 બોટલ, કિંમત રૂ. 84,240.
– 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કી: 180 મિલીની 3,120 બોટલ, કિંમત રૂ. 4,21,200.
– દારૂનો કુલ જથ્થો: 3,744 બોટલ, કિંમત રૂ. 5,05,440.
– સફેદ રંગની ક્રેટા કાર (GJ-39-CA-0128): કિંમત રૂ. 10,00,000.
કુલ કબજે કરાયેલ મુદ્દામાલ: રૂ. 15,05,440.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલા તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ફરાર કારચાલક અને દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![]()
