ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા, 11 એનસી કરી રૂ.5,500નો દંડ વસૂલાયો, 5 વાહનો ડિટેઈન
રાપર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના વડપણ હેઠળ દેના બેન્ક ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ અને માલી ચોક સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ, ટીઆરબીના ભાવેશ પરમાર, રવજી સોલંકી અને વિજય બગડા સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી. નગરપાલિકાના સહયોગથી રસ્તા પરના નડતરરૂપ દબાણો હટાવી ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન 11 એનસી કરી કુલ રૂ.5,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે નિયમભંગ બદલ 5 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.
પોલીસ અને પાલિકાની આ સંયુક્ત કામગીરીથી શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકને રાહત મળવાની સાથે જાહેર માર્ગો પરના દબાણો સામે કડક વલણનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
