પૂર્વ કચ્છ-ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે વિદેશી દારૂ તેમજ ત્રણ ટુ-વ્હીલર મળી કુલ રૂ. ૧,૫૬,૯૭૪/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના મુજબ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાપર વિસ્તારમાં પ્રાગપર ચોકડી પાસે ત્રણ શંકાસ્પદ ઇસમો જણાતા પોલીસે તેમને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ત્રણેય ઇસમો પોલીસને જોઈ પોતપોતાના ટુ-વ્હીલર રસ્તા પર જ મૂકીને નાસી છૂટ્યા હતા.
પોલીસે ત્રણેય વાહનોની ડેકી તપાસતાં તેમાંથી ૭૫૦ એમ.એલ.ની ૪ બોટલ જેની કિંમત રૂ. ૨,૨૬૦, ૧૮૦ એમ.એલ.ની ૧૯ બોટલ જેની કિંમત ૨૯૬૪, ૧૪ બિયર ટીન જેની કિંમત રૂ. ૧,૭૫૦ મળી કુલ રૂ. ૬,૯૭૪- ની કિંમતનો ૩૭ નંગ દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો
આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલા બે ટી.વી.એસ. જ્યુપીટર તથા એક હોન્ડા એક્ટિવા મળી દોઢ લાખ રૂપિયાના ત્રણ વાહનો સહિત કુલ રૂ. ૧,૫૬,૯૭૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
આ બનાવ અંગે ફરાર ત્રણેય વાહનચાલકો વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. વાળા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ તેમજ સમગ્ર એલ.સી.બી. સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
