રાપર તાલુકાના બેલા-બાલાસર રોડ પર આજે સવારે ગમખ્વાર બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે ભાદરવી સુદ બીજના પવિત્ર દિવસે રામદેવપીરના દર્શન માટે બેલા ગામથી ખેંગારપર તરફ બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.
બેલા-બાલાસર રોડ પર વ્રજવાણી પાટિયા અને વિસાસર પાટિયા વચ્ચે બાઈક પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોઝ આડો ઉતરતા બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં બાઈક પર સવાર જયંતિભાઈ ગણેશભાઈ સુથાર, રહે. સુરેલાવાંઢ, બેલા,નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની સાથે સવાર સનાભાઈ દલાભાઈ પરમારને ઈજાઓ થતાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી હાલ વધુ સારવાર માટે તેમને ભુજ રીફર કરવામાં આવ્યા છે.
ભાદરવી સુદ બીજના દિવસે રામદેવપીરના દર્શન માટે આસ્થાભેર ખેંગારપર જઈ રહેલા બે શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બનતાં એકનું મોત અને એકને ગંભીર ઈજા થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
(રિપોર્ટ : અનિલ ઠક્કર)
![]()
