અકસ્માત બાદ ડમ્પર ફરાર, રબારી સમાજના યુવાનોની સતર્કતાથી સણવા પાસે ડમ્પર ઝડપાયું..
રાપર તાલુકાના મોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોડા ગામના સવજી પુંજા વાવીયા (ઉં.વ.60) ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા ત્યારે મોડાથી આશરે દોઢ કિલોમીટર દૂર કાંકરી ભરેલા ઓવરલોડ ડમ્પરે અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ ડમ્પર ચાલકે વૃદ્ધને આશરે 100 મીટર સુધી ઢસડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આડેસર પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પરની જાણ રબારી સમાજના યુવાનોને થતાં તેમણે સણવા ખાતેના રબારી સમાજના યુવાનોને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સણવા પાસે કાંકરી ભરેલું ડમ્પર અટકાવી ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
