રેતી લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરવા બદલ માંગવામાં આવી હતી લાંચ, મુન્દ્રા રોડ પર ACBએ સફળ ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા
ભુજ: ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકાર અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવા સમયે ભુજ કલેક્ટર કચેરીમાં આવેલી ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં લાંચ લેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ACBએ સફળ ટ્રેપ ગોઠવી કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ અને એક ખાનગી વ્યક્તિને ₹50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકની વર્ષ 2008માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. નિયમો અનુસાર ખનન કરાયેલા ખનીજના પરિવહન માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા એકાઉન્ટ અનલોક હોવું જરૂરી હતું. આ કામગીરી માટે ફરિયાદીએ ભુજ કલેક્ટર કચેરી સ્થિત ખાણ અને ખનીજ વિભાગનો સંપર્ક કર્યો હતો.
આ દરમિયાન વિભાગમાં કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નિતિનભાઈ આચાર્યએ એકાઉન્ટ અનલોક કરવાની પ્રક્રિયા માટે ફરિયાદી પાસે ₹50,000ની ગેરકાયદેસર લાંચ માંગ્યાનો આક્ષેપ છે.
ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ભુજ ACB કચેરીનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ તપાસ હાથ ધરી અને મુન્દ્રા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ નજીક જોષી દહીંવડા સેન્ટર ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ટ્રેપ દરમિયાન જીનીશ આચાર્યના કહેવાથી ખાણ-ખનીજ વિભાગ સંબંધિત અરજીઓ તૈયાર કરવાનું કામ કરતા આશિષ કાળુભાઈ આચવડિયા નામના ખાનગી વ્યક્તિએ ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી.
આ સફળ ટ્રેપ કાર્યવાહી ભુજ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. મોઢવાડિયા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભ્રષ્ટાચારના મુદ્દાઓ અંગે સામાન્ય લોકોમાં લાંબા સમયથી ચર્ચા ચાલતી રહી છે. અનેક વખત એવો મત વ્યક્ત થાય છે કે ભ્રષ્ટાચારની ઘટનાઓ ત્યારે જ જાહેર ચર્ચાનો વિષય બને છે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અથવા અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જોકે, વિવિધ સરકારી વિભાગોમાં થતી ગેરરીતિઓ અને તેની વ્યાપક અસર અંગે સમયાંતરે પ્રશ્નો ઉઠતા રહ્યા છે.
ખાસ કરીને ખાણ અને ખનીજ જેવા આવકવાળા વિભાગોમાં સરકારને મોટી આવક મળતી હોવા છતાં, નિયમોના અમલ, દેખરેખ અને આવક સંબંધિત પ્રક્રિયાઓ અંગે વિવિધ સ્તરે ચર્ચાઓ થતી રહે છે. કેટલાક વર્તુળોમાં એવો દાવો કરવામાં આવે છે કે ક્યાંક મિલીભગત તો ક્યાંક કાયદાની જોગવાઈઓમાં રહેલી ખામીઓનો લાભ ઉઠાવી ગેરરીતિઓ થતી હોઈ શકે છે. જોકે આવા આક્ષેપોની સત્તાવાર તપાસ અને પુરાવા આધારીત પુષ્ટિ જરૂરી ગણાય છે.
તાજેતરમાં થયેલી ACBની કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે શું આવી ઘટનાઓ માત્ર વ્યક્તિગત સ્તરની ગેરરીતિઓ સુધી મર્યાદિત છે કે પછી તેના મૂળ સુધી પહોંચવા માટે વ્યાપક અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે છે. જો સંબંધિત વિભાગોની કામગીરી, આવક અને નિર્ણય પ્રક્રિયાની સઘન તપાસ કરવામાં આવે તો વધુ તથ્યો બહાર આવી શકે તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળી રહી છે.
હાલમાં ACBની કાર્યવાહી સરકારી તંત્ર અને જાહેર જીવનમાં ચર્ચાનો કેન્દ્રબિંદુ બની છે. હવે રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓ આવા મામલાઓમાં આગળ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.
(રીપોર્ટ : મહેશ ખેર)
![]()
