ખેડૂતો માટે સારા સમાચાર: ખરીફ પાકની MSP પર સીધી ખરીદી શરૂ થશે, 2 થી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી ફરજિયાત.
ખેડૂતોને તેમના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુતમ ટેકાના ભાવ (MSP) પર સીધી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે.
ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે 2 ઓક્ટોબર 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. રાજ્યભરના ગામડાઓમાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) મારફતે ખેડૂતોની નોંધણી કરવામાં આવશે.
MSP મુજબ પાકના ભાવ
ભારત સરકારે ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 માટે નીચે મુજબના ટેકાના ભાવ જાહેર કર્યા છે:
ડાંગર (કોમન) – રૂ. 2,441 પ્રતિ ક્વિન્ટલ
ડાંગર (ગ્રેડ-A) – રૂ. 2,461 પ્રતિ ક્વિન્ટલ
મકાઈ – રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલ
બાજરી – રૂ. 2,900 પ્રતિ ક્વિન્ટલ + રૂ. 300 બોનસ
જુવાર (હાઈબ્રિડ) – રૂ. 4,023 પ્રતિ ક્વિન્ટલ + રૂ. 300 બોનસ
જુવાર (માલદંડી) – રૂ. 4,073 પ્રતિ ક્વિન્ટલ + રૂ. 300 બોનસ
રાગી – રૂ. 5,205 પ્રતિ ક્વિન્ટલ + રૂ. 300 બોનસ
ખરીદી ક્યારે થશે?
રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા ખેડૂતો પાસેથી 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 દરમિયાન નિયત ખરીદી કેન્દ્રો પર પાકની ખરીદી કરવામાં આવશે.
બાયોમેટ્રિક નોંધણી ફરજિયાત
ખેડૂતોની નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય અને લાભ સીધો વાસ્તવિક ખેડૂતોને મળી શકે.
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
ખેડૂતોએ નોંધણી સમયે નીચેના દસ્તાવેજો સાથે રાખવા પડશે:
આધાર કાર્ડની નકલ
તાજેતરનો ગામ નમૂનો નં. 6
7/12 ઉતારો
8-અ નો દાખલો
પાક વાવણીની એન્ટ્રી સંબંધિત પુરાવા
બેંક ખાતાની વિગતો
કૃષિ અને સહકાર વિભાગે રાજ્યના તમામ ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી કરાવી ટેકાના ભાવે પાક વેચાણનો લાભ લેવા અપીલ કરી છે.
(રીપોર્ટ : મહેશ ખેર)
![]()
