માત્ર 2.37 મિનિટમાં અરીસામાં વાંચી શકાય તેવું ઊલટું લખાણ લખી રચ્યો રેકોર્ડ, સમગ્ર શ્રીમાળી સોની સમાજ અને વાગડ પંથકમાં ગૌરવની લાગણી
માણસ જો મનમાં દૃઢ સંકલ્પ કરી સતત અને સખત મહેનત કરે, તો કોઈ પણ લક્ષ્ય અશક્ય રહેતું નથી. આ કહેવતને સાર્થક કરી બતાવી છે રાપરની દીકરી નિહારિકાબેન મેનીશભાઈ સોનીએ. પોતાની પ્રતિભા, લગન અને અથાગ મહેનતના બળે તેમણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી રાપર, ગાંધીધામ સહિત સમગ્ર વાગડ પંથકનું નામ રોશન કર્યું છે.
મૂળ રાપરની અને હાલ ગાંધીધામના ભારતનગર ખાતે રહેતી ચાંપાનેરીયા પરિવારની દીકરી નિહારિકાબેન સોનીએ અરીસામાં જોઈને વાંચી શકાય તેવું ઊલટું લખાણ અત્યંત ઝડપથી લખવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે માત્ર 2 મિનિટ અને 37 સેકન્ડમાં આ કઠિન કાર્ય પૂર્ણ કરીને પોતાની અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
નિહારિકાબેને એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્નજીવનની જવાબદારીઓ વચ્ચે મળતા ફાજલ સમયનો સદુપયોગ કરીને આ અનોખી સિદ્ધિ મેળવવા માટે સતત મહેનત કરી હતી. ખાસ વાત એ છે કે તેમણે કોઈ પણ પ્રકારના કોચિંગ વિના માત્ર પોતાની મહેનત, અભ્યાસ અને આત્મવિશ્વાસના આધારે આ પડકારજનક કાર્ય પાર પાડ્યું હતું.
આ સિદ્ધિ સુધી પહોંચવા માટે તેમણે લાંબા સમય સુધી અભ્યાસ અને પ્રેક્ટિસ કરી હતી. રેકોર્ડ માટેની જરૂરી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કર્યા બાદ પોતાની સિદ્ધિની નોંધણી માટે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એવોર્ડ સર્ટિફિકેટ અને ટ્રોફી પ્રાપ્ત થયાં હતાં.
નિહારિકાબેનની આ અનોખી સિદ્ધિના સમાચાર પ્રસરી જતાં તેમને વિવિધ ક્ષેત્રોમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. સમસ્ત શ્રીમાળી સોની સમાજ, રાપર તેમજ સમગ્ર વિસ્તારના લોકો માટે આ ગૌરવની ક્ષણ બની છે. સ્થાનિક અખબારોએ પણ તેમની આ સિદ્ધિને પ્રસિદ્ધિ આપીને તેમની પ્રતિભાને બિરદાવી છે.
નિહારિકાબેન સોનીની સફળતા એ સંદેશ આપે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ દૃઢ નિશ્ચય, સમયનો સદુપયોગ અને સતત મહેનત પણ એટલાં જ જરૂરી છે. તેમણે સાબિત કર્યું છે કે વ્યક્તિ જો પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહે, તો પોતાની મહેનતના બળે આગવી ઓળખ ઊભી કરી શકે છે.
રાપરની આ દીકરીની સિદ્ધિથી સમગ્ર વાગડ પંથક ગૌરવ અનુભવી રહ્યો છે અને નિહારિકાબેનને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
(રિપોર્ટ : દિનેશભાઈ સોની)
![]()
