જકાર્તા: ઇન્ડોનેશિયાના સુન્ડા જળમાર્ગમાં આવેલા અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીમાં રવિવારે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. જ્વાળામુખીની ગતિવિધિમાં શુક્રવારથી જ વધારો જોવા મળી રહ્યો હતો અને રવિવારે સવારે 3:53 વાગ્યે લગભગ 30 સેકન્ડ સુધી વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવાની જ્વાળાઓ નીકળતી હોવાના દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. રાખનો ગોટો જકાર્તા સહિત પશ્ચિમ ઇન્ડોનેશિયાના અનેક વિસ્તારો તરફ આગળ વધ્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન અને સ્થાનિક પ્રવૃત્તિઓને અસર થઈ છે.
જ્વાળામુખીમાંથી નીકળેલી રાખનો ગોટો લગભગ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યો, જેના કારણે હવાઈ પરિવહન પર મોટી અસર થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ કામગીરી બંધ રહેતાં આશરે 22,800 મુસાફરોને અસર થઈ હતી. આંતરરાષ્ટ્રીય સેવાઓમાં સિંગાપોર તરફની ફ્લાઇટ્સ પર પણ અસર જોવા મળી હતી. સેટેલાઇટ તસવીરોમાં રાખના બે અલગ-અલગ ગોટા નોંધાયા હતા. એક ગોટો 20 હજાર ફૂટ સુધી પહોંચ્યો હતો, જ્યારે બીજો 50 હજાર ફૂટ સુધી પહોંચ્યો હતો.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
