સગીરા પરના દુષ્કર્મ મામલે ગુનો છુપાવવા અને ધમકી આપવાના કેસમાં સંડોવાયેલા સંચાલકો સામે કાનૂની સંકજો કસાયો. ફરિયાદી પક્ષે વકીલોની ટીમે ધારદાર દલીલો કરી આગોતરા જામીન અરજી નામંજૂર કરાવી.
ભચાઉ / રાપર: રાપર તાલુકાના નીલપર ગામે આવેલ ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાની છાત્રાલયમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય સગીરા પર આચરવામાં આવેલા ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ, ભચાઉ દ્વારા મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. આ ગુનામાં બનાવ છુપાવવા, મદદગારી કરવા અને ભોગ બનનારના પરિવારને ધાક-ધમકી આપવાના આરોપ હેઠળ સંડોવાયેલા સંસ્થાના બે ટ્રસ્ટીઓ તથા ગૃહમાતાની આગોતરા જામીન અરજી કોર્ટે સખત વલણ અપનાવી નામંજૂર કરી દીધી છે.
કેસની વિગત: નીલપર ખાતે આવેલ ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાની શાળા અને છાત્રાલયમાં અભ્યાસ કરતી સગીરા સાથે સંસ્થાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ દ્વારા અવારનવાર શારીરિક છેડતી તેમજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાબતે સગીરાએ છાત્રાલયની ગૃહમાતા પુજાબેન ગોહિલને જાણ કરતાં તેણીએ વાત દબાવી રાખવા દબાણ કર્યું હતું. બાદમાં પરિવારજનો રજૂઆત કરવા જતાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઇ મણીલાલ સંઘવી તથા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોલીસ ફરિયાદ ન કરવા ધાક-ધમકી આપવામાં આવી હતી. જેથી રાપર પોલીસ મથકે BNS તથા POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરાઈ હતી: પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી (૧) પુજાબેન ગોહિલ (ગૃહમાતા), (૨) દિનેશભાઇ મણીલાલ સંઘવી (ટ્રસ્ટી/સંચાલક) અને (૩) અનિરુદ્ધસિંહ જાડેજા (ટ્રસ્ટી/સંચાલક) દ્વારા નામદાર સેશન્સ કોર્ટ, ભચાઉ સમક્ષ આગોતરા જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. જે અરજી ફરીયાદ પક્ષ ની ધાર દાર દલીલો ના કારણે ના મંજૂર કરવામાં આવેલા છે.
ફરિયાદી પક્ષે વકીલશ્રીઓની ધારદાર દલીલો:
આ કેસની સુનાવણી દરમિયાન સરકાર તરફે ડી એસ જાડેજા તેમજ મૂળ ફરિયાદી પક્ષે એડવોકેટ કોમલ ડી. જેઠવા,અમરસિંહ આર.આકાશ જી. મકવાણા,સુરેશકુમાર આર. મકવાણા, નાગજીભાઈ પીરાણા,ક્રિષ્ના વી. મકવાણા તેમજ અન્ય સાથી વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ફરિયાદી પક્ષના વકીલશ્રીઓ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી કે:
ભોગ બનનાર માત્ર ૧૩ વર્ષ અને ૩ માસની માસૂમ દીકરી છે અને તેની સાથે બનેલ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે.
સંસ્થાના જવાબદાર હોદ્દા પર હોવા છતાં POCSO એક્ટની કલમ ૨૧(૨) મુજબ તંત્ર કે પોલીસને તાત્કાલિક જાણ ન કરી અને ફરીયાદ પક્ષ ને ફરિયાદ ન કરવા ધાક ધમકી કરીને ગુનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરોપીઓ વગદાર વ્યક્તિઓ હોવાથી જામીન મળ્યેથી કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની પૂર્ણ શક્યતા રહેલી છે.
નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા તથા ફરિયાદી પક્ષના વકીલશ્રીઓની કાનૂની દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
![]()
