સામખીયારી પોલીસે ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી–સામખીયારી હાઈવે પર આવેલી હરિ ઓમ કૃપા રાજસ્થાની હોટલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રાજેશ કુમાર રઘુનાથારામ બિશ્નોઈ , રઘુનાથારામ જાલારામ બિશ્નોઈ અને જગદીશ સોગારામ બિશ્નોઈ નો સમાવેશ થાય છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
તપાસ દરમિયાન પોલીસને બ્રાઉન એમ.ડી. 18 ગ્રામ, કિંમત રૂ.54,000, સફેદ એમ.ડી. 25 ગ્રામ, કિંમત રૂ.75,000 તથા પોષડોડા પાઉડર 3.111 કિલોગ્રામ, કિંમત રૂ.46,665 મળી આવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ.19,500 અને છ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,50,165નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-1985 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(રિપોર્ટ: બાબુભાઈ આહીર)
![]()
