કચ્છ: રાપર તાલુકાના પદમપર ગામે તા. 30 ઓગસ્ટ 2026ની રાત્રે અરેરાટીભરી ઘટના સામે આવી હતી. રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કે ગામના એક કૂવામાં એક વ્યક્તિ પડી ગયો છે. જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા કૂવો 100 ફૂટથી પણ વધુ ઊંડો અને 30 ફૂટથી વધુ પાણી ભરેલો હોવાનું સામે આવ્યું હતું. કૂવામાં મૃતદેહ દેખાતો હોવાથી ફાયર ટીમે તાત્કાલિક કૂવામાં ઉતરી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

કૂવામાં ઉતર્યા બાદ મૃતદેહ લાંબા સમયથી પાણીમાં હોવાના કારણે સાવ કોહવાયેલી હાલતમાં હોવાનું જણાયું હતું. મૃતદેહમાંથી આવતી તીવ્ર દુર્ગંધ તેમજ કૂવાની ઊંડાઈના કારણે રેસ્ક્યૂ કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી. તેમ છતાં ફાયર ટીમના જવાનોએ જોખમ ઉઠાવી મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.રાત્રે આશરે 1 વાગ્યાથી હાથ ધરાયેલી સતત કામગીરી બાદ ખાટલાની મદદથી રાત્રે 2:25 વાગ્યાના અરસામાં મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં ફાયર ટીમને સફળતા મળી હતી. ત્યારબાદ મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મૃતકની ઓળખ ધનજી લખમણ નોર તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. મૃતક કૂવામાં કેવી રીતે પડ્યો અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ રેસ્ક્યૂ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના દાફડા પ્રવીણભાઈ, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. રાત્રિના સમયે 100 ફૂટથી વધુ ઊંડા કૂવામાં ભારે જોખમ વચ્ચે ટીમે કામગીરી કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
