માનવતા માત્ર મનુષ્યો પ્રત્યે સંવેદના દાખવવામાં નથી, પરંતુ અબોલ જીવોના દુઃખ અને દર્દને સમજવામાં રહેલી છે. રાપર શહેરના વતની અને બહોળો જીવદયા પ્રેમ ધરાવતા દિનેશભાઈ ચૌહાણે આ વાતને પોતાના જીવનનું એક નિષ્કામ ધ્યેય બનાવી લીધું છે. તેઓ દરરોજ એક એવું સેવાકાર્ય કરી રહ્યા છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિનું હૃદય સ્પર્શી જાય.
અનેક લોકો પોતાના નિત્યક્રમ મુજબ કામઅર્થે માર્ગ પર નીકળતા હોય છે. આ દરમિયાન રસ્તા પર વાહનોની અડફેટે આવીને અનેક અબોલ વન્યજીવો કે પ્રાણીઓ પોતાના પ્રાણ ગુમાવતા હોય છે. મોટાભાગના લોકો આવા મૃત જીવોને જોઈને આગળ નીકળી જતા હોય છે, પરંતુ વન્યપ્રેમી દિનેશભાઈ ચૌહાણનું દિલ આ દ્રશ્ય જોઈને દ્રવી ઉઠે છે.
દિનેશભાઈ પોતાના દૈનિક માર્ગ પર જ્યાં પણ વાહનની ટક્કરથી મૃત્યુ પામેલા અબોલ જીવને જુએ છે, ત્યાં તુરંત જ પોતાનું વાહન રોકી દે છે. તેઓ એ મૃત પ્રાણી કે પક્ષીને અત્યંત આદરપૂર્વક રસ્તા પરથી ઉઠાવીને સુરક્ષિત રોડ સાઇડ પર મૂકે છે. આ નાનકડા લાગતા પરંતુ ખૂબ જ ગહન કાર્ય પાછળ તેમનો ઉદ્દેશ્ય અત્યંત પવિત્ર છે. પોતાની આ સદ્ભાવના અંગે વાત કરતા દિનેશભાઈ જણાવે છે કે, “રોડ પર પડેલા મૃત જીવ પરથી બીજા વાહનો ફરી વળે ત્યારે તેના શરીરની જે અવદશા થાય છે તે જોઈ શકાતી નથી. તેથી હું તેમને રસ્તાની સાઈડમાં મૂકીને તે અબોલ આત્માની સદગતિ માટે બે ક્ષણ પ્રાર્થના કરું છું. આમ કરવાથી અન્ય વાહનચાલકો અકસ્માતમાંથી બચે છે, મૃત જીવનો અનાદર થતો અટકે છે, અને માર્ગની સાઈડમાં મૂકેલા આ જીવમાંથી અન્ય પ્રાણીઓને ખોરાક મળી રહે છે જેથી તેઓ શિકાર માટે અન્ય જીવનું ભક્ષણ ન કરે.”
આજના ભાગદોડભર્યા યુગમાં જ્યાં લોકો પાસે પોતાના માટે સમય નથી, ત્યાં રાપરના દિનેશભાઈ ચૌહાણનું આ અનોખું અને નિઃસ્વાર્થ જીવદયા કાર્ય સમગ્ર સમાજ માટે એક ઉત્કૃષ્ટ પ્રેરણાસ્રોત બની રહ્યું છે. તેમની આ સંતત સેવા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને રાપરવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ બિરદાવી રહ્યા છે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
