ભુજ નગરપાલિકામાં સામાજિક અગ્રણી આત્મહત્યાના પ્રયાસે બિલ્ડિંગ પર ચડ્યા, પોલીસ-પાલિકા તંત્રમાં દોડધામ.
શેરી ફેરિયાઓને શહેરમાંથી હટાવવાના વિરોધમાં મામદ લાખા પાલિકા કચેરીની બિલ્ડિંગ પર ચડ્યા…
પોલીસ તથા પાલિકા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા, દોરડાની મદદથી નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધરાયા.
ભુજ નગરપાલિકા કચેરી ખાતે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. સામાજિક અગ્રણી મામદ લાખા શેરી ફેરિયાઓને શહેરમાંથી હટાવવાના વિરોધમાં ભુજ નગરપાલિકાની બિલ્ડિંગ પર ચડી ગયા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મામદ લાખાને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે પોલીસ અને પાલિકા કર્મચારીઓ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી. સાથે જ દોરડાની મદદથી તેમને નીચે ઉતારવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા કચેરી ખાતે એકઠા થઈ ગયા હતા. બિલ્ડિંગ પર ચડેલા મામદ લાખાને જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શેરી ફેરિયાઓને શહેરમાંથી હટાવવાના મુદ્દે મામદ લાખા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ મામલે પાલિકા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની માંગણીઓ શું હતી તે અંગે વધુ વિગતો બહાર આવવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ થોડા વર્ષો પહેલા સામાજિક અગ્રણી આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલની ઘટનામાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા મામદ લાખાને સુરક્ષિત રીતે બિલ્ડિંગ પરથી નીચે ઉતારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ભુજ શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
(રિપોર્ટ : અનિલ ઠક્કર)
![]()
