લૂંટ બાદ ફરાર થયેલી ગેંગ સુધી પોલીસ પહોંચી; ₹8 લાખની અર્ટીગા કાર, રોકડ અને મોબાઇલ સહિત મુદ્દામાલ કબજે
અંજાર: અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અજાપર સીમ વિસ્તારમાં તમંચાની અણીએ સોનાની ચેઇનની લૂંટ અને ફાયરિંગની ગંભીર ઘટનાનો અંજાર પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન ગેંગના અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પ્રેસનોટ મુજબ, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ ફરિયાદી અજાપર સીમ વિસ્તારમાં પોતાના મોબાઇલ સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદીના વાહનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટી લેવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદીની સોનાની વીંટી પણ કઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ વીંટી આપવાનો ઇનકાર કરતા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો અને તમંચા વડે ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ આરોપીઓ સોનાની ચેઇન લૂંટી ફરાર થઈ ગયા હતા.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ગેંગ સુધી પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરતાં શંકાસ્પદ બાઇક અને તેના પર સવાર ત્રણ શખ્સોની ઓળખ થઈ હતી. પોલીસે MCR લિસ્ટ, ગુનાહિત ઇતિહાસ, હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસમાં આરોપીઓ અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી હતી.
મધ્યપ્રદેશથી કચ્છમાં લૂંટના ઇરાદે આવ્યા હોવાનો ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા મુખ્ય આરોપી અશોક ઉર્ફે આયગન રમેશ પ્રજાપતિની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાંચ જણની ગેંગ બનાવી ગ્વાલિયર, મધ્યપ્રદેશથી અર્ટીગા કારમાં કચ્છમાં લૂંટના ઇરાદે આવ્યા હોવાની કબૂલાત સામે આવી છે.
આરોપીઓ અંજાર-મેઘપર-કુંભારડી વિસ્તારમાં રૂમ ભાડે રાખીને રોકાયા હતા. ત્યારબાદ આદિપુરમાંથી અપાચી બાઇકની ચોરી કરી હતી અને વરસાણા રોડ પર લૂંટ કરવા માટે રેકી કરતા હતા. દરમિયાન એક મોટરસાઇકલ ચાલકના ગળામાં સોનાની ચેઇન અને હાથમાં સોનાની વીંટી નજરે પડતાં તેનો પીછો કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ત્રણ આરોપીઓ ઝડપાયા, બે હજુ ફરાર
પોલીસે આ કેસમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે:
1. અશોક ઉર્ફે આર્યન રમેશ પ્રજાપતિ, ઉંમર 30 વર્ષ, મૂળ મધ્યપ્રદેશ/રાજસ્થાન વિસ્તાર સાથે સંકળાયેલ.
2. અમિત મુનીલાલ જાટવ, ઉંમર 19 વર્ષ, ભીંડ, મધ્યપ્રદેશ.
3. જગદીશ ઉર્ફે ગોલુ વિનોદકુમાર જાટવ, ઉંમર 23 વર્ષ, ધોલપુર, રાજસ્થાન.
પોલીસ મુજબ મુખ્ય આરોપી અશોક ઉર્ફે આર્યન પર અગાઉ પણ હથિયાર, લૂંટ અને વાહન ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
આ કેસમાં દીપક કુશ્વાહ, ધોલપુર (રાજસ્થાન) અને શીવ, ઉત્તરપ્રદેશના બે આરોપીઓ હજુ પકડવાના બાકી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
₹8 લાખની અટીગ કાર સહિત મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે:
– રોકડ રૂપિયા 7,000
– મોબાઇલ ફોન 2, કિંમત આશરે ₹10,000
– ગુનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની અર્ટીગા કાર, કિંમત આશરે ₹8 લાખ
આરોપીઓ વિરુદ્ધ અંજાર અને આદિપુર પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી અને હથિયાર સંબંધિત કલમો હેઠળ ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
આ કામગીરી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, અંજાર પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇંસપેક્ટર જે.એમ. વાળા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ સબ ઇંસ્પેક્ટર એસ.જી.વાળા તથા ડી.જી.પટેલ તથા અંજાર પોલીસ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
