અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે હાઇડ્રોપોનિક ગાંજાની તસ્કરીનો એક અનોખો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. વિયેતનામના હો ચી મિન્હ સિટીથી આવેલી ફ્લાઈટ મારફતે મુંબઈનો એક મુસાફર કૂકીઝ અને નાસ્તાના પેકેટની આડમાં કરોડો રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને કસ્ટમ્સ ટીમે ઝડપી પાડ્યો છે.
નાસ્તાના પેકિંગમાં સંતાડ્યો હતો જથ્થો
શંકાસ્પદ હલનચલન જણાતા કસ્ટમ્સ અધિકારીઓએ મુસાફરની હેન્ડ બેગની ગહન તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બેગમાંથી કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખુલ્લા પાડીને જોતા તેની અંદર ખાસ રીતે સીલ કરાયેલા અન્ય 24 એડિશનલ ફોઇલ પેકેટ્સ મળી આવ્યા હતા.
જ્યારે આ પેકેટ્સની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી કુલ 5,519.7 ગ્રામ (5.5 કિલોથી વધુ) હાઇ-ક્વોલિટી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. તસ્કરે એક્સ-રે કે સામાન્ય ચેકિંગથી બચવા માટે ખાસ પેકિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
સ્થળ પર જ NDPS ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા ચકાસણી કરવામાં આવતા જપ્ત કરાયેલ પદાર્થ ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું. ત્યારબાદ કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ, 1985 ની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી પ્રતિબંધિત જથ્થો જપ્ત કર્યો હતો અને આરોપી મુસાફરની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.
નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ
અમદાવાદ એરપોર્ટ પર આ હાઈ-પ્રોફાઈલ કન્સેસન પકડાયા બાદ સુરક્ષા અને ચેકિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગ હાલ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો, ભારતમાં કોને પહોંચાડવાનો હતો અને આ પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ કામ કરી રહ્યું છે કે કેમ.
![]()
