ગાંધીધામ: પૂર્વ કચ્છમાં નશાના કારોબાર સામે ચાલી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ’ કેમ્પેઈન અંતર્ગત SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આદિપુરમાં તોલાણી કોલેજ પાછળ મીડ ટાઉન હોટલ પાસેથી એક શખ્સને નશાકારક દવાઓના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોકલાણી તરીકે થઈ છે. આરોપી પાસેથી કોડેઇન સીરપની 36 બોટલ તેમજ ટ્રામાડોલ અને નાઇટ્રાઝેપમ સહિત કુલ 532 ટેબલેટ/કેપ્સ્યુલ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 31 REXTAP-TX અને 5 Rexo-T કફ સીરપની બોટલ, ટ્રામાડોલ અને એસિટામિનોફેન ધરાવતી 352 કેપ્સ્યુલ તથા નાઇટ્રાઝેપમની 180 ટેબલેટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન, એક્સેસ સ્કૂટી અને રોકડા રૂ.2,100 પણ કબજે કર્યા હતા. કોડેઇન સીરપ અને ટેબલેટ સહિત કુલ રૂ.11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની તપાસ અને કાર્યવાહી માટે આરોપીને આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીનો અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે SOGની આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()
