કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શીરવા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલઆંખ કરી છે. કલેક્ટર અને મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારની ટીમે કડક કાર્યવાહી કરીને અંદાજે ₹6.50 લાખની સરકારી જમીન દબાણમુક્ત કરાવી હતી. તંત્રના આ દંડાત્મક પગલાથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
શીરવા ગામના સરકારી સર્વે નંબર 408 પૈકીની જમીન પર જમીલશા કાદરશા સૈયદ નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હતો. આશરે 1,300 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર પતરાવાળા શેડ, રહેણાંક મકાન, બે દુકાનો, બે ગોડાઉન અને ચારેય તરફ પાકી દિવાલ વેંડો બનાવી લેવાઈ હતી. જંત્રી દર મુજબ આ સરકારી જમીનની અંદાજિત કિંમત ₹6.50 લાખ આંકવામાં આવી છે.

તંત્રએ ટીમ બનાવી હાથ ધરી કડક કાર્યવાહી
ગેરકાયદેસર દબાણની માહિતી મળતા જ માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમ રચવામાં આવી હતી. જેમાં સર્કલ ઓફિસર શહેર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જેસીબીની મદદથી તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડીને જમીન ખાલી કરાવવામાં આવી હતી.
તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
