રાધનપુર-સામખિયાળી નેશનલ હાઈવે-27 પર એકલધાર ગામ સામેની ઘટના, ઓળખ માટે આડેસર પોલીસે જાહેર કરી વિગતો
પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુરથી સામખિયાળી તરફ જતા નેશનલ હાઈવે નંબર-27 પર આડેસર થી માખેલ વચ્ચે એકલધાર સામે હાઈવે રોડની કિનારે એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી છે.
પોલીસની પ્રેસનોટ મુજબ, તા. 8 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 12:40 વાગ્યાના અરસામાં હાઈવેની કિનારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં અ.મોત નંબર 08/2026 હેઠળ બી.એન.એસ. કલમ 194 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાનો મજબૂત બાંધો, ઘઉંવર્ણ અને આશરે પાંચ ફૂટ ઊંચાઈ છે. તેના જમણા હાથ પર હિન્દી ભાષામાં “લક્ષ્મણ એન્ડ પૂજા” અને ડાબા હાથ પર અંગ્રેજીમાં “PP” લખાવેલું હોવાનું જાણવા મળ્યું છે.
મહિલાએ લાલ અને ગ્રે રંગની ડિઝાઇનવાળું ટોપ તથા લાલ રંગની લેગીઝ પહેરેલી હતી. પોલીસ દ્વારા મૃતક મહિલાનો ફોટોગ્રાફ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેથી તેના પરિવારજનો અથવા પરિચિતો સુધી માહિતી પહોંચે અને તેની ઓળખ થઈ શકે.
આડેસર પોલીસે અપીલ કરી છે કે મૃતક મહિલા અંગે કોઈ વ્યક્તિને માહિતી હોય અથવા તેના વાલી-વારસ અંગે કોઈ જાણકારી હોય તો તાત્કાલિક આડેસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. આચાર્ય, આડેસર પોલીસ સ્ટેશન નંબર : 96242 62198 / 63596 26863
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
