હત્યાની કલમ 302ના બદલે સાપરાધ મનુષ્યવધમાં દોષિત ઠેરવાયા
રાપર: તાલુકાના નાની રવ ગામે ત્રણ વર્ષ અગાઉ બે મિત્રોએ ભેગા મળી ત્રીજા મિત્ર હેમંત મહાલિયાને માર માર્યાના કેસમાં ભચાઉ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી કરણ કાનજી અખિયાણી અને સહઆરોપી બાબુ રાણા રાઠોડને સાપરાધ મનુષ્યવધના ગુનામાં દોષિત ઠેરવી અનુક્રમે 7 વર્ષ અને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ, નાની રવ ગામનો 23 વર્ષીય કરણ અખિયાણી ગાંધીધામમાં મજૂરી કરતો હતો. દરમિયાન તેની ઓળખાણ લાખાપર ગામના 20 વર્ષીય હેમંત મહાલિયા સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા હતી. જુલાઈ 2023માં કરણના ઘરે બંને વચ્ચે કરણની પત્ની અંગે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ બીજા દિવસે કરણ અને હેમંત તળાવકાંઠે ગયા હતા, જ્યાં તેમનો મિત્ર બાબુ રાણા રાઠોડ પણ જોડાયો હતો. અહીં ફરી અગાઉના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી.
આ કેસમાં ફરિયાદ પક્ષે હત્યાની કલમ 302 હેઠળ ગુનો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્ટ સમક્ષ મોટિવ સાબિત ન થવો અને મહત્વના સાક્ષીના પુરાવાનો અભાવ સહિતની બાબતો સામે આવી હતી. કોર્ટના અવલોકન મુજબ, અગાઉ થયેલી બોલાચાલીથી આરોપી ઉશ્કેરાયો હોવાનું જણાતા બનાવને હત્યા કરતાં સાપરાધ મનુષ્યવધ તરીકે ગણવામાં આવ્યો.
પોસ્ટમોર્ટમમાં મૃતકના શરીર પર અનેક ઈજાઓ નોંધાઈ હતી. જોકે, તબીબની ઉલટ તપાસ દરમિયાન PM નોટમાં દર્શાવાયેલી કોઈ એક ઈજા પોતે જીવલેણ હોવાની વાત સામે આવી નહોતી.
ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ફરિયાદ પક્ષ તરફથી દલીલો કરી હતી. રાપરના તત્કાલીન PI વી.કે. ગઢવીએ તપાસ કરી 31 સાક્ષીઓ અને આશરે 30 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.
કોર્ટે IPC કલમ 304(1) હેઠળ કરણ અખિયાણીને 7 વર્ષની સખ્ત કેદ અને ₹5,000 દંડ તથા બાબુ રાઠોડને 4 વર્ષની સખ્ત કેદ અને ₹5,000 દંડની સજા કરી છે. આ ઉપરાંત અન્ય કલમો હેઠળ પણ સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે. તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે.
કોર્ટે મૃતક હેમંતની માતાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન યોજના હેઠળ વળતર આપવા DLSAને ભલામણ પણ કરી છે.
આ ચુકાદા સાથે ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ વિવિધ ગંભીર ગુનાઓના કુલ 50 કેસમાં દલીલો કરી સજા અપાવવાનો આંકડો નોંધાવ્યો હોવાનું જણાવાયું છે.
![]()
