કાયદો-વ્યવસ્થાની સાથે સમાજસેવામાં પણ પોલીસની ભાગીદારી
રાપર શહેરમાં રાપર પોલીસે આજે વહેલી સવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા અને જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ મારું ગામ’ના સંદેશ સાથે આ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
સ્વચ્છતા અભિયાન દરમિયાન રાપર પોલીસ સ્ટેશન પરિસર ઉપરાંત દેના બેન્ક ચોક, મુખ્ય બજાર વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ તથા શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારીઓ દ્વારા રસ્તાઓ અને જાહેર સ્થળોએ પડેલો કચરો દૂર કરી આસપાસનો વિસ્તાર સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ અભિયાનમાં રાપર પીઆઈ આર.એલ. ખટાણા સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો તેમજ રાપર નગરપાલિકાના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ સાથે મળીને જાહેર સ્થળોની સફાઈ કરી નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી હતી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીની સાથે સમાજલક્ષી અને લોકોપયોગી પ્રવૃત્તિઓમાં પણ ભાગીદારી નોંધાવવામાં આવી રહી છે.
અભિયાન દરમિયાન જાહેર સ્થળોએ કચરો ન નાખવો, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું અને સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રાપર પોલીસે ‘સ્વચ્છ શહેર, સ્વસ્થ સમાજ’ની ભાવનાને આગળ વધારતા નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
(રિપોર્ટર : અનિલ ઠક્કર)
![]()

