રાપર તાલુકાના ઘાણીથર વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિનો વિરોધ કરનાર યુવાન પર કથિત ફાયરિંગની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ઘટનામાં ગાગોદર અને આડેસર પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડતાં કાયદો-વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
તા. 30ની રાત્રે આશરે 11 વાગ્યે ગામની સીમ તરફથી ગોળીબાર જેવા અવાજો સંભળાતા ગામના જાગૃત યુવાનો બેટરી લઈને સ્થળ તરફ પહોંચ્યા હતા. શિકારી પ્રવૃત્તિ થતી હોવાની આશંકા વચ્ચે પ્રભુ રાજા રાજપૂત સહિત ગ્રામજનોએ શંકાસ્પદ શખ્સોને અટકાવી પૂછપરછ કરી હતી. આ દરમિયાન આરોપીઓ પાસે બંદૂક અને છરી જેવા હથિયારો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ આરોપીઓએ પોતે શિકાર કરવા આવ્યા હોવાનું કહી વચ્ચે આવનારને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
આરોપીઓને રોકવાના પ્રયાસ દરમિયાન ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી અને ફરિયાદી તથા ગ્રામજનોએ બંદૂક કબજે લેવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન એક આરોપીએ ફરિયાદીની છાતી પર બંદૂક તાકી ફાયરિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવ અને ચકચારનો માહોલ સર્જાયો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાગોદર પી.આઈ. જી.એ. સોલંકી તથા આડેસર પી.આઈ. જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે અલ્તાફ દિનમામદ હિંગોળજા (રહે. આડેસર), મુબારક મામદ હિંગોળજા (રહે. ટગા), હનિફ લતીફ નારેજા (રહે. સણવા) અને નજરમામદ ઈસ્માઈલ હિંગોળજા (રહે. ટગા)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ફાયરિંગમાં વપરાયેલી એક બંદૂક અને ત્રણ છરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ગામમાં કાઢવામાં આવેલા સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા.
આ ઘટનાએ કચ્છના નાના રણ અને તેની આસપાસના વિસ્તારોમાં વધતી શિકારી પ્રવૃત્તિ અંગે ફરી ચર્ચા જગાવી છે. પલાસવા, ઘાણીથર અને આસપાસના વિસ્તારોમાં જંગલી ગધેડા, નીલગાય, જરખ અને સસલા સહિતના વન્યજીવોના શિકારની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. અગાઉ ફતેહગઢ વિસ્તારમાં પણ શિકાર દરમિયાન માલધારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી.
(રીપોર્ટ : મહેશ ખેર)
![]()
