રાપર : નગાસર તળાવ પથ ઉપરના મા સ્મૃતિ વન મધ્યે ભારત વિકાસ પરિષદ-રાપર શાખા દ્વારા નગરપાલિકા રાપર તથા વન વિભાગના સહયોગથી આશરે 150 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.સંસ્થાના પર્યાવરણ પ્રકલ્પ અંતર્ગત હરિયાળા રાપરના સંકલ્પને સાકાર કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમનું ગાનથી થઈ હતી. શાખાના પ્રમુખ શ્રી કરણસિંહ વાઘેલાએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું.
પર્યાવરણ પ્રકલ્પ વિશે માહિતી આપતા સંસ્થાના પ્રાંત ઉપાધ્યક્ષ ડૉ. રાહુલ પ્રસાદજીએ જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા તાજેતરમાં 400 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનો આજે શાળાના શિક્ષકો દ્વારા સુંદર રીતે ઉછેર થઈ રહ્યો છે, તે આનંદની બાબત છે અને હવે અહીં દોઢસોથી વધારે વૃક્ષો રોપણ કરી ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો છે.
પર્યાવરણપ્રેમી,રાપર રત્ન શ્રી યોગેશભાઈ જોશીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે ભારત વિકાસ પરિષદ વિપરીત પરિસ્થિતિમાં પણ પર્યાવરણ જતનનું સેવાકાર્ય કરી રહી છે જે પ્રશંસનીય છે.
કથાકાર પુજ્યશ્રી અજયપ્રસાદજી ગોરએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે જેમ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવે છે, તેમ આ વૃક્ષોને પણ નિયમિત જળ અર્પણ કરવામાં આવે તો તે શિવસેવા સમાન પુણ્યદાયક કાર્ય જ છે. એમણે આ કાર્ય માટે સંસ્થાને ધન્યવાદ આપી શુભકામનાઓ પાઠવી હતી.

નગરપાલિકા-રાપરના પ્રમુખ શ્રી ચાંદભાઈ ભીડે, વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એ.વી. ભાટીયા સાહેબ, શ્રી અજયપ્રસાદજી ગોર તથા આચાર્ય અલ્પેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મા સ્મૃતિ વનમાં 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. દરેક વૃક્ષને પોતાની માતાના નામ સાથે જોડી પર્યાવરણ સાથે નગરજનો પણ જોડાય એવા પ્રયત્નનો ના ભાગરૂપે ત્રીસ લોકોએ પોતાની માતાનું નામ જોડી સહયોગ આપ્યો હતો. હજૂ વધુ લોકોને જોડવાનો પ્રયાસ ચાલુ છે.
વૃક્ષારોપણ પ્રકલ્પને સફળ બનાવવા માટે શાખાના પર્યાવરણ કન્વીનર સવજીભાઈ ભાટી અને ભરતભાઈ ઠાકોરે જહેમત ઉઠાવી હતી. નગરજનો, શાખા સદસ્યો, મહિલા સદસ્યો પણ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ સોનીએ કર્યું હતું એમ સંસ્થાના મહામંત્રી જયેશભાઈ સોનીએ જણાવ્યું હતું.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
