મીટરમાં છેડછાડ કરી વીજ વપરાશનું રીડિંગ ન નોંધાય તેવી વ્યવસ્થા કરવાનો આરોપ સાબિત થતાં સ્પેશિયલ ઈલેક્ટ્રિસિટી કોર્ટનો કડક ચુકાદો
ભચાઉ: ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ નજીક આવેલી અજંતા હોટલમાં વીજચોરીના કેસમાં સ્પેશિયલ ઈલેક્ટ્રિસિટી કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. હોટલના માલિક અને શિકારપુરના રહેવાસી હાજી સીદીક સુલેમાન તરાયાને વીજચોરીના ગુનામાં દોષિત ઠેરવી અદાલતે ૨ વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. 15,81,398નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, અજંતા હોટલમાં PGVCLના થ્રી-ફેઝ વીજ મીટરમાં છેડછાડ કરી વીજ વપરાશનું રીડિંગ મીટરમાં નોંધાય નહીં તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વીજચોરીનો કેસ નોંધાયો હતો. આ મામલે GUVNL પોલીસ સ્ટેશનમાં ઈલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયા બાદ કેસની કાર્યવાહી સ્પેશિયલ ઈલેક્ટ્રિસિટી કોર્ટ, ભચાઉ સમક્ષ ચાલી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી વિવિધ સાહેદોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત કેસને લગતા આશરે 15 જેટલા દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો તથા રજૂ થયેલા પુરાવાઓનું અવલોકન કર્યા બાદ સ્પેશિયલ ઈલેક્ટ્રિસિટી જજ બી.એલ. ચોઈથાણીએ આરોપી હાજી સીદીક સુલેમાન તરાયાને દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે આરોપીને ૨ વર્ષની કેદની સજા તથા રૂ. 15,81,398નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો આરોપીએ વધુ ૨ વર્ષની સાદી કેદ ભોગવવાની રહેશે.
આ કેસમાં ફરિયાદી તરફથી સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ સરકાર પક્ષની તરફેણમાં અદાલતમાં દલીલો રજૂ કરી હતી.
અજંતા હોટલના વીજચોરી કેસમાં આવેલા આ ચુકાદાથી મીટરમાં છેડછાડ કરીને વીજચોરી કરનારાઓમાં કાયદાનો ભય ઊભો થાય તેવી શક્યતા છે. વીજચોરી સામે વીજ કંપનીઓ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી બાદ અદાલતના આવા કડક ચુકાદા વીજચોરીના કિસ્સાઓ માટે ચેતવણીરૂપ બની શકે છે.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
