આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અન્સારી આથાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના લેટરહેડમાં લખેલો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ લેટરહેડમાં અંજાર શહેર ભાજપની ટીમે ભાજપના જિલ્લા પ્રમુખને ફરિયાદ કરતા કહ્યું છે કે નગરપાલિકાના જે પ્રમુખ છે તેમના પતિ કોન્ટ્રાક્ટમાં હિસ્સેદારી માંગી રહ્યા છે. અહીંયા સવાલ ઉભો થાય છે કે વિકાસ જનતાનો થાય છે કે ભાજપના લોકોનો? ભાજપના પોતાના લોકો આ ફરિયાદ કરી રહ્યા છે તો ભાજપનું નેતૃત્વ ચૂપ કેમ છે? એ લોકોએ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આ આખી સિસ્ટમ હિસ્સેદારીની સંસ્કૃતિ પર ચાલે છે. નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા જેવી માળખાકીય સુવિધાઓ જોઈતી હોય છે, અને આ તમામ વસ્તુ માટે લોકો ટેક્સ આપે છે પરંતુ બદલામાં લોકોને હલકી ગુણવત્તાવાળું કામ મળે છે કારણ કે કોન્ટ્રાક્ટમાં પહેલાથી હિસ્સેદારીઓ વહેંચાઈ ગયેલી હોય છે, આ વાત ભાજપના લોકો પોતે કહી રહ્યા છે.
વધુ આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું કે, હું વિચારી રહી છું કે આના પર અત્યાર સુધી એ કોઈ એક્શન લેવામાં કેમ નથી આવ્યું અને તમામ લોકો ચૂપ કેમ છે? આ મેસેજને લોકો ફોરવર્ડ કરી રહ્યા છે પરંતુ કોઈ પગલાં કેમ નથી લેવામાં આવતા? કોન્ટ્રાક્ટરને જ્યારે ટેન્ડર મળે છે પછી ક્વોલિટી એનાલિસિસના નામે કશું થતું નથી અને દરેક ક્વોલિટી એનાલિસિસના સ્તરે હિસ્સેદારીઓ વહેંચાઈ રહી છે, તો પછી કામ કઈ રીતે થશે, પૈસા તો હિસ્સેદારીમાં જતા રહે છે. તમામ હિસાબની પારદર્શિતા કેમ નથી? અંજારની જનતા ભાષણની જગ્યાએ હિસાબ માંગશે, તો સાચી માહિતી બહાર આવશે. સફાઈ પર 33 લાખનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ અંજારમાં સફાઈ ક્યાં છે બતાવો? રોડ પણ બનેલા નથી અને તમે પૈસા ખાઈ જાઓ છો. શાસક પક્ષ ચૂપ છે એની હું કડક શબ્દોમાં નિંદા કરું છું અને હું ઇચ્છું છું કે ભાજપનું ટોચનું નેતૃત્વ આ મુદ્દે જવાબ આપે.
(રિપોર્ટ : સૂરજ લુહાર)
![]()
