રાધનપુર-વારાહી હાઇવે પર રાઘવજી હોટેલ નજીક વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી ખાટુ શ્યામના દર્શન કરી અંજાર પરત ફરી રહેલા પરિવારની ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગોઝારી ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઘટનાસ્થળે જ 3 લોકોના કરૂણ મોત

અકસ્માતમાં ઈકો કારમાં સવાર સુનિલ ચાવડા, મહેશ મહેતા અને શક્તિસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બાળક સહિત 4 ની હાલત નાજુક, પાટણ રિફર કરાયા
આ દુર્ઘટનામાં એક માસુમ બાળક સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની વધુ ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ટ્રક ચાલક ફરાર, પોલીસની તપાસ તેજ
અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
