રાપર: વાગડ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો પર વન્યજીવોના અકસ્માતે મોતના કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે. આ જ શ્રેણીમાં ગઈકાલે મોડી રાત્રે રાપર ગુરુકુળ રોડ પર વધુ એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. રસ્તો ઓળંગી રહેલા અતિ મહત્ત્વના વન્યજીવ શાહુડીને કોઈ તેજ રફતાર અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શાહુડીનો સમાવેશ અનુસૂચિ 1 માં કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ તેને વાઘ અને સિંહ જેટલું જ સર્વોચ્ચ કાનૂની સંરક્ષણ પ્રાપ્ત છે. આવા ઉચ્ચ દરજ્જાના સંરક્ષિત વન્યજીવના દર્દનાક મોતથી પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે.
આ ઘટના બાદ સ્થાનિક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર નીરવ સોલંકી એ
માંગ ઉઠાવી છે કે, જંગલ અને વગડાઉ વિસ્તારમાંથી પસાર થતા માર્ગો પર વાહનોની ગતિ નિયંત્રિત કરવા તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે. આ ઉપરાંત, શિડ્યુલ-૧ ના રક્ષિત પ્રાણીઓ પ્રત્યે બેદરકારી દાખવી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડી તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
