અંજાર ખાતે ૩૦થી ૩૫ કલાકારોએ આપી સ્વરાંજલિ, મોટી સંખ્યામાં ભક્તો અને સંતવાણીપ્રેમીઓ જોડાયા
અંજારના શ્રી રામ કૃપા પાર્ટી પ્લોટ ખાતે સંતવાણી અને ભજન પરંપરાના અનન્ય આરાધક બ્રહ્મલીન પૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ બારોટજીની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભાવાંજલિ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુની અમર સ્મૃતિને નમન કરવા મોટી સંખ્યામાં ભક્તજનો, સંતવાણીપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પવિત્ર દીપ પ્રાગટ્ય તથા પૂજ્ય લક્ષ્મણબાપુની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, ત્રિકમભાઈ વાસણભાઈ આહિર, પૂજ્ય યોગી દેવનાથજી બાપુ, કથાકાર ધનેશ્વર જોશી, સતિષભાઈ છાંગા, શાસક પક્ષના નેતા ધનજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો અને સામાજિક-ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના ૩૦થી ૩૫ જેટલા જાણીતા કલાકારો અને સંગીતકારોની સ્વરાંજલિ રહ્યું હતું. કલાકારોએ પૂજ્ય લક્ષ્મણબાપુના અમર ભજનો તેમજ પ્રાચીન સંતવાણીની ભાવસભર પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ આ પાવન પ્રસંગ સાથે જોડાઈ શકે તે માટે સોશિયલ મીડિયા મારફતે લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભજનાનંદી પાલુભાઈ, દીપક બારોટ, અરુણ બારોટ, માવજીભાઈ આહીર (ધાણેટી), વાઘજીભાઈ માતા (ધાણેટી), મહાદેવભાઈ આહીર (લાખાપર), ભીમજીભાઈ આહીર (ધાણેટી) તથા સમસ્ત ભજનપ્રેમી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂજ્ય લક્ષ્મણબાપુએ જીવનભર સંતવાણી અને ભજન પરંપરાને જીવંત રાખી હતી. તેમના ભજનો અને વિચારો આજે પણ ભક્તોના હૃદયમાં જીવંત છે. તેમની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ ભાવાંજલિ કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં સંપન્ન થયો હતો.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
