સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે નજીવી બાબતે યુવક પર છરી વડે જાનલેવા હુમલો થતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ગામમાં રહેતા 43 વર્ષીય જોમાજી ઠાકોર કરિયાણું લેવા બજારમાં ગયા હતા. દરમિયાન ગામના જ પ્રકાશજી શંકરજી ઠાકોરે તેમની સાથે ઝઘડો કરી અચાનક છરી વડે હુમલો કર્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીને જોમાજી ઠાકોર પોતાની માતા સાથે વાતચીત કરતા હોવાનો મનમાં વહેમ હતો. આ બાબતની અદાવત રાખીને આરોપીએ જોમાજી પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ મામલે ઈજાગ્રસ્તના ભાઈ રામસંગજી ઠાકોરની ફરિયાદના આધારે કાકોશી પોલીસે પ્રકાશજી શંકરજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(રિપોર્ટ : પ્રકાશજી ઠાકોર – પાટણ)
![]()
