ભચાઉ: ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભચાઉ વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ, લૂંટ, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓના કબજા-ભોગવટાવાળા મકાનોમાં મીટર વિના ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભચાઉ પોલીસ દ્વારા પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફને સાથે રાખીને સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને આવા ગેરકાયદેસર વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.
પોલીસની કાર્યવાહી હેઠળ કોલીયાસરી, મદીનાનગર, માનસરોવર, હિમ્મતપુરા તેમજ જી.ઈ.બી. સામેના ભટ્ટ પાળિયા સહિતના વિસ્તારોમાં રહેતા આરોપીઓના મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર અંકુશ લાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ અને પી.જી.વી.સી.એલ. ભચાઉના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
(રિપોર્ટ : બાબુભાઈ આહીર)
![]()
