પાટણ: ગુજરાતમાં નશાબંધી અભિયાન વચ્ચે પાટણ શહેર પોલીસે પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના રાજકાવાડા નિશાળની પોળ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે રેહાનાબાનુ ઉર્ફે રેણુકા મોહમ્મદ હનીફ શેખ નામની મહિલાને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે ડ્રગ્સ સહિત અંદાજે ₹2.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સની હેરાફેરી સાથે અન્ય શખ્સોની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. જેના આધારે પોલીસે મુખ્ય સપ્લાયર સહિત કુલ ચાર શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
(રિપોર્ટ : પ્રકાશજી ઠાકોર-પાટણ)
![]()
